Thursday, April 12, 2012

ફિક્સ પગારના મુદ્દે સરકારની સ્પષ્ટતા અરજી હાઇકોર્ટે ફગાવી

ફિક્સ પેના કર્મચારીઓને નિમણૂકની તારીખથી પૂર્ણ વેતન ચૂકવવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિ‌ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ‌ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો હતો.
રાજ્ય સરકાર તરફથી આ માટે કેટલીક પરચૂરણ અરજીઓ કરી હાઇકોર્ટે અગાઉ આપેલા ચુકાદામાં કેટલીક સ્પષ્ટતા તથા હુકમના અમલની મુદત વધારી આપવા હેતુ અરજી કરી હતી. જો કે ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી અને ઠેરવ્યું હતું કે, તમામ કર્મચારીઓને તેઓ જોડાયા હોય તે તારીખથી મિનિમમ વેતન ચૂકવવું અને મળવાપાત્ર લાભ અને ભથ્થાં પણ આપવાં. એક મહિ‌નાની અંદર ઉપરોક્ત હુકમનું પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, ફિક્સ પેના મામલે સિનિયર એડ્વોકેટ ધર્મેશ જે. ભટ્ટ મારફતે થયેલી જાહેરહિ‌તની અરજીમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે અગાઉ એક ઐતિહાસિક ચુકાદા મારફતે તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ મિનિમમ વેતન ચૂકવવા અને પ વર્ષની નોકરીને પણ સર્વિ‌સમાં ગણવા અને તેને પેન્શનપાત્ર ગણવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં સ્પષ્ટતા હેતુ સરકારે સ્પષ્ટતા અરજી ઉપરાંત કેટલીક પરચૂરણ અરજીઓ કરી હતી. સરકાર તરફે એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે કર્મચારીઓને નિમણૂકની તારીખથી વેતન ચૂકવવાના લીધે રાજ્ય સરકાર પર આર્થિ‌ક બોજો વધશે. તેથી કર્મચારીઓને હુકમનો લાભ નિમણૂકની તારીખથી નહીં, પરંતુ હુકમની તારીખથી અપાય તેવી માગ પણ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટે આ સ્પષ્ટતા અરજી રદ કરી કાઢી હતી અને નોંધ્યું હતું કે, આર્થિ‌ક બોજો કે આર્થિ‌ક મુશ્કેલી અને સંકટનું કારણ દર્શાવીને રાજ્ય સરકાર તેના કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. આ રીતે અગાઉ જાહેરહિ‌તની અરજીમાં જે હુકમ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ પ્રકારની સુધારણા કે ફેરફાર કરવાની જરૂર પણ જણાતી નથી. ફિક્સ પેની નીતિ હેઠળ નિમાયેલા કર્મચારીઓને નિમણૂકની તારીખથી મિનિમમ વેતન અને ભથ્થાં સરકારે ચૂકવવાનાં રહેશે. એટલું જ નહીં આ હુકમનું પાલન એક મહિ‌નાની અંદર કરવાનું રહેશે.

હાઇકોર્ટે અગાઉ શું હુકમ કર્યો હતો?

હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે,'રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ 'સમાન કામ - સમાન વેતન’નું હળાહળ ઉલ્લંઘન કરતી સ્કીમ છે. ફિક્સ પેના કમર્ચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ પગાર આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડવાનો સરકારનો બચાવ પણ ગ્રાહ્ય રાખી શકાય તેવો જણાતો નથી. પગારપંચ દ્વારા લઘુતમ વેતન માટેની જે ભલામણ કરાઈ હોય તેનાથી ઓછું વેતન રાજ્ય સરકાર આપી શકે નહીં. એટલું જ નહીં પ્રોબેશન પિરિયડને પણ સર્વિ‌સ પિરિયડ ગણી ભવિષ્યમાં મળવાપાત્ર તમામ લાભ પણ તમામ ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓને મળવા જોઈએ.’

સરકાર પર ૧૦ હજાર કરોડોનો બોજો પડશે

છઠ્ઠા પગારપંચ મુજબ તમામ કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવશે તો ૧૦ હજાર કરોડનો બોજો સરકાર પર પડશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ સમગ્ર કેસ દરમિયાન આ બાબત ઉપર વિશેષ ભાર પણ મૂક્યો હતો. જો કે હાઇકોર્ટે સરકારપક્ષની આ દલીલ અગાઉના હુમક ઉપરાંત હાલના હુકમમાં પણ ગ્રાહ્ય રાખી નહોતી.

ફિક્સ પગારપ્રથા રદ કરવા કર્મચારી સંકલન સમિતિની માગ

રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને પૂરા પગારથી, પેન્શન અને ગ્રેચ્યુઇટીના લાભ સાથે નિમણૂક આપવાના ગુજરાત વડી અદાલતના ચુકાદાને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, સહકન્વીનર ગિરીશ રાવલે આવકાર્યો છે. યોગક્ષેમ સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ પગારની પ્રથા રદ કરી મૂળ નિમણૂકની તારીખથી પૂરા પગારની નોકરી આપવા સામે સરકારની એમ.સી.એ.ને હાઇકોર્ટે રદ કરી છે. અદાલતના આ આદેશને પગલે રાજ્ય સરકારે સત્વરે ફિક્સ પગારની પ્રથા રદ કરી પૂરા પગાર સાથે મૂળ પગારના નિવૃત્તિના તમામ લાભ સાથેના હુકમ એક માસમાં કરવા માગણી કરી છે.

'હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેના મામલે અપાયેલા ચુકાદાની નકલનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આગળની બાબતોનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.’ - એમ.એમ.શ્રીવાસ્તવ, અગ્ર સચિવ, નાણાં વિભાગ

કોને લાભ?

પીએસઆઇ
વિદ્યાસહાયક
જુનિયર ક્લાર્ક
પોલીસ રક્ષક
તલાટી કમ મંત્રી
પટ્ટાવાળા
જેલ સિપાહી
ગ્રામમિત્ર
ર્વોડ બોય
સ્વીપર વગેરે

સાભાર - દિવ્યભાસ્કર પેપર

No comments:

Post a Comment