ભાર વિનાનું ભણતર!
સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે જોઈએ છીએ ત્યારે ૩ થી ૫ કિલોગ્રામના દફ્તર સાથે બાળકની કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ઠાંસી ઠાંસીને ભરેલ નોટ્સ - ગાઈડો - પોથીઓ ( ચિત્રપોથી-નક્શાપોથી- સ્વાધ્યાયપોથી વગેરે વગેરે ) થી ભરેલ દફ્તર જોઈને વાલીના ચહેરા પર બાળક દાક્તર બની જવાનો આનંદ છે. બૂટ-મોજા - ટાઈથી સજ્જ બાળકને જોઈને ઘડી બે ઘડી વાલી ખુશ થઈ જાય છે. અને અન્ય બાળક કરતાં પોતાનો બાળક કેટલો સ્માર્ટ દેખાય છે તેવા ધોળા દિવસે સ્વપ્નો જોતો જોવા મળે છે. વળી આજના આ યુગમાં રીક્ષા-વાનમાં ઘેટા- બકરાંના જેમ ઠાંસી ઠાંસીને ભરવામાં આવતા બાળકોને જોઈને પણ વિદાય સાથે હાથ લાંબો કરતી મા ના ચહેરા પર આનંદની કરચલીઓ ઉડીને આંખે વળગે તેવી છે. આનંદ એ વાતનો હોય છે કે પોતાનો બાળક kg1/kg2 કે નર્સરીમાં દાક્તર બનવા જઈ રહ્યો છે. પોતાના બાળક માટે ધોરણ - 1 થી જ પુસ્તકો નહિ પરંતુ ગાઈડો ખરીદી તથા તેના પૂંઠા ચડાવવા કલાક બે કલાક દુકાને લાઈનોમાં ઉભો રહે છે. કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ધોરણ - 1 ની ગાઈડોના ત્રણસો - ચારસો રૂપિયા હસતા હસતા આપે છે કારણકે
તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે. ગામની સરકારી શાળા છોડીને સેલ્ફ ફાયનાન્સ શાળામાં એડમિશન મેળવવા બાળકના જન્મના બીજા જ દિવસથી પાંચ વર્ષ પછીના એડમિશન માટે હાંફતો હાંફતો વાલી દોડતો જોવા મળે છે
કારણકે તેનો બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે.
અને હવે મિત્રો - ભૂતકાળમાં ડોકિયું કરીએ તો
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી ચડ્ડી – સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. “અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!
ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા પલવારમાં ઉકેલાય.
આજના નાનકડા ભૂલકાઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ. સાદા સરવાળા માટે પણ પરાવલંબી. દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે. ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ. કંપાસમાં ચાર પાંચ પેન. દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે. માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી. રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.આજે બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને રગડોળી નાખવાનું ભણતર.