Thursday, October 4, 2012

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે. 

આદર્શ આચાર સંહિતા એટલે શું ? 
આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે. 

શા માટે આચારસંહિતાની જરૂર? 
ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.


વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.

સાભાર - દિવ્યભાસ્કર ( ૦૪/૧૦/૨૦૧૨ ) 

1 comment:

  1. aachar sanhita darmiyan upper primary na teacher ni bharti thase se kem?

    ReplyDelete