Monday, February 17, 2014

તલાટીની પરીક્ષાના દલાલને ઓળખો

તલાટીની પરીક્ષા દરમ્યાન શિક્ષણ જગતનો ઠગ  કલ્યાણસિંહ ચંપાવત કરોડો રૂપિયા સાથે પકડાયો

ડો. કલ્યાણસિંહ ચંપાવત ભાજપનો કાર્યકર ઃ મોડી રાત્રે પોલીસનો દરોડો એક ઉમેદવાર દીઠ દસ લાખ રૃપિયા ઉઘરાવતો હતો
ગાંધીનગર, તા.૧૬
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલી તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે લે ભાગુ ટોળકીઓ ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા પડાવી રહી છે ત્યારે ગાંધીનગર પોલીસે ગઈકાલે રાત્રે ઓપરેશન પાર પાડી ગાંધીનગરમાં સ્માર્ટ એકેડમી નામની સંસ્થાના સંચાલક અને ભાજપના કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવતને ૧.૪૩ કરોડ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, તલાટીની પરીક્ષામાં પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી દસ-દસ લાખ રૃપિયા ઉઘરાવ્યા હતા. તેની સાથે રહેલા એક અમદાવાદના એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ સરકારી ભરતીમાં કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવામાં આવતી હોવાની સરકાર વાતો કરી રહી છે ત્યારે ભાજપનું સભ્ય પદ ધરાવતો આ શખ્સ જ ઉમેદવારો પાસેથી ઉઘરાણાં કરતો ઝડપાઈ જતાં ભાજપમાં પણ સોંપો પડી ગયો છે.
સરકારી નોકરી મેળવવાનો હાલ યુવાનોમાં ક્રેઝ પેદા થયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ ભરતીઓમાં લેભાગુ ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે અને ઉમેદવારો પાસેથી લાખો રૃપિયાના ઉઘરાણાં કરતી હોય છે. હાલમાં તલાટીની ૧પ૦૦ જેટલી જગ્યાઓ માટે મહેસુલ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવી રહી અને તેની આજે લેખીત પરીક્ષા પણ હતી. ત્યારે ગઈ રાત્રીએ ગાંધીનગર એલસીબી અને એસઓજીએ ખાનગી ઓપરેશન પાર પાડીને ભાજપના કાર્યકરને ૧.૪૩ કરોડ રૃપિયા જેટલી રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબીના પીએસઆઈ એચ.કે.સોલંકીને બાતમી મળી હતી કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તલાટીની જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે જે પેટે ગાંધીનગરના સે-પ/સી પ્લોટ નં.૯૧૫/રમાં સ્માર્ટ એકેડમી અને પર્સનાલીટી ડેવલપમેન્ટ નામની સંસ્થા ચલાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવત આ પરિક્ષામાં અરજી કરનાર ઉમેદવારોને વિશ્વાસમાં લઈ પરીક્ષામાં પાસ કરાવી સરકારી નોકરી આપવાની બાંહેધરી આપી રૃપિયા ઉઘરાવી રહયો છે. જેથી આ બાતમીના આધારે એસઓજી પીઆઈ જે.ડી.બ્રહ્મભટ્ટ સહિતની ટીમે આ મકાનમાં દરોડો પાડતાં કલ્યાણસિંહ મુલસિંહ ચંપાવત તથા અમદાવાદમાં આંબાવાડી ખાતે વિરામ ફ્લેટ બી/રમાં રહેતો નિસલ ઉમેદભાઈ શાહ ઝડપાઈ ગયા હતા. આ મકાનમાંથી પોલીસને બિનહિસાબી રૃા.૧,૪૩,૯૦,૨૯૦ ની રોકડ તથા પાંચ નંગ મોબાઈલ મળી આવ્યા હતા. તેમજ ૮૮ જેટલા ઓનલાઈન પ્રવેશ પત્રોની નકલ મળી હતી. તેમજ દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. આ અંગે ગાંધીનગર ડીવાયએસપી જે.એ.જાડેજાએ જણાવ્યું હતું કે, કલ્યાણસિંહ ચંપાવત દરેક ઉમેદવાર પાસેથી દસ લાખ રૃપીયા વસુલતો અને તેમને નોકરી આપવાની બાંહેધરી આપતો હતો. અત્યાર સુધીની તપાસમાં આ બે વ્યક્તિઓના જ નામ બહાર આવ્યા છે. ચંપાવતે કેટલા કેટલા ઉમેદવારો પાસેથી રૃપિયા ઉઘરાવ્યા છે તેની તપાસ ચાલી રહી છે તેમજ ગઈકાલે રાત્રીએ પોલીસે દરોડો પાડયો ત્યારે એક ઉમેદવાર દસ લાખ લઈને આવ્યો હતો તે પણ કબ્જે લેવામાં આવ્યા છે. બીજી બાજુ આજે સાંજે પોલીસે કલ્યાણસિંહ ચંપાવત તેમજ નિસલ શાહને ગાંધીનગર કોર્ટમાં રજૂ  કરતાં કોર્ટે તેમને ચાર દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. તો ગાંધીનગર મહાનગર ભાજપનું પ્રાથમિક સભ્ય પદ ધરાવતાં કલ્યાણસિંહ ચંપાવત ભાજપના ક્ષત્રિય મોરચામાં પણ સક્રિય હોવાનું  બહાર આવ્યું છે. જેના કારણે ભાજપના ખેમામાં પણ ભારે સોંપો જોવા મળી રહયો છે.

રૃપિયા ગણવા માટે મશીન પણ ખરીદયું!
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે ઉમેદવારો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવતાં કલ્યાણસિંહ ચંપાવતની સ્માર્ટ એકેડમીમાં ગઈકાલે રાત્રે ગાંધીનગર પોલીસે દરોડો પાડયો ત્યારે ૧.૪૩ લાખ રૃપિયાની રોકડ રકમ સાથે પોલીસને રૃપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું હતું.
છેલ્લા અઠવાડીયાથી રૃપિયા ઉઘરાવતા ચંપાવતને રૃપિયા ગણવાનો સમય ના હોવાથી મશીન મારફતે રૃપિયા ગણતાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મશીન પણ કબ્જે લીધું છે.

ચંપાવતનું સચિવાલય કનેકશન પણ તપાસાશે
ગાંધીનગર, તા.૧૬
તલાટીની પરીક્ષા પાસ કરાવવા માટે લાખો રૃપિયા ઉઘરાવતાં ડો.કલ્યાણસિંહ ચંપાવતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધા છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે, આ આરોપીનો સચિવાલયમાં કોઈ કનેકશન છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ચંપાવતની ડાયરી અને મોબાઈલ ઉપર થયેલી વાતચીતના આધારે પોલીસ અન્ય કોણ કોણ આ સમગ્ર કૌભાંડમાં સામેલ છે તેની તપાસ કરી રહી છે.

સીએમના સલાહકાર તરીકેની ઓળખ આપનાર
ડો. ચંપાવતે મોદીની સભાનું સંચાલન પણ કર્યું હતું!
ભાજપમાંથી ગાંધીનગર ઉત્તર વિધાનસભા સીટ માટે ટિકિટ માંગી હતીઃ સરકારી યોજનાઓના નામકરણનો પણ દાવો

ગાંધીનગર,તા.૧૬
ભાજપના કાર્યકર અને સરકારમાં ઉપર સુધી પહોંચ હોવાનો દાવો કરીને તલાટીના ઉમેદવારો પાસેથી લાખ્ખો રૃપિયા શેરવી લેનાર ડો.કલ્યાણસિંહ ચંપાવત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સલાહકાર હોવાની પોતાની ઓળખ આપતો હતો. એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.ચંપાવતે ગાંધીનગર ઉત્તરની બેઠક માટે ભાજપમાં ટીકીટની પણ માંગણી કરી હતી. તે વખતે ગાંધીનગર જિલ્લામાં મોદીની સભાનું સંચાલન પણ ડો.ચંપાવત કરતો હતો. તો સરકારની વિવિધ યોજનાઓના નામાભિધાન પણ પોતે કર્યા હોવાનો  પણ તે દાવો કરતો હતો.
સરકારી નોકરીમાં પાસ કરાવીને સારી જગ્યાએ પોસ્ટીંગ અપાવવાની ગેરંટી આપી ઉમેદવારો સાથે લાખ્ખો રૃપિયાની છેતરપીંડી કરનાર ગાંધીનગરનો ડો.કલ્યાણસિંહ ચંપાવત અત્યારે તો પોલીસની ઝપટમાં આવી ગયો છે પણ ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં સ્માર્ટ એકેડમી ચલાવનાર અને ભાજપનો કાર્યકર ડો.કલ્યાણસિંહ ચંપાવત એક સમય સરકારનો ખાસ હોવાનો દાવો કરતો હતો. સરકારની વાંચે ગુજરાત,રમશે ગુજરાત તેમજ જીતશે ગુજરાત જેવી યોજનાઓના નામકરણ તેણે જ કર્યા હોવાનો તે દાવો કરતો હતો.
એટલુ જ નહીં, વિધાનસભાની ચૂંટણી વખતે ગાંધીનગર જિલ્લામાં જ્યાં જ્યાં મોદીની સભા હોય ત્યાં તે પહોંચી જતો હતો. તો ગાંધીનગર શહેરમાં મળેલી મોદીની સભા વખતે તો ડો.કલ્યાણસિંહે મોદીની હાજરીમાં જ સંચાલન પણ કર્યું હતું. તે જ વખતે એટલે કે, વિધાનસભાની ચૂંટણી વખતે ડો.કલ્યાણસિંહે ગાંધીનગર ઉત્તર તેમજ હિંમ્મતનગરની સીટ પર ભાજપ તરફથી લડવા માટે પ્રયત્નો પણ કર્યા હતા.આ માટે તેણે મોદી સુધી તેનો બાયોડેટા પણ મોકલાવ્યો હતો. આમ, બજારમાં મોદીનો ખાસ હોવાનો દાવો કરીને ઉમેદવારોને છેતરતા ડો.કલ્યાણસિંહને પોલીસે તો કોઇ પણ શરમ વગર પકડી જ પાડયો છે. ત્યારે પોતાના આ પ્રાથમિક  કાર્યકરને શુ ભાજપ સસ્પેન્ડ કરશે તે તો જોવુ જ રહ્યું ! 


No comments:

Post a Comment